સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ ભવનના વિદ્યાર્થી ભીલ કૌશિક આર.એ અખિલ ગુજરાત ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી ભવનનું ગૌરવ વધાર્યું.....
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના અનુસ્નાતક સંસ્કૃત ભવન સ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી શોધ કેન્દ્ર દ્વારા આયોજિત અખિલ ગુજરાત ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા–2026માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ ભવનના વિદ્યાર્થી ભીલ કૌશિક આર.એ રાજ્યકક્ષાએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી ઇતિહાસ ભવન તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
ભારતીય જ્ઞાનપરંપરા, વૈદિક વિચારધારા, મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનદર્શન અને રાષ્ટ્રજાગૃતિના વિચારો પ્રત્યે યુવા પેઢીમાં જાગૃતિ કેળવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં જ્ઞાનપ્રાપ્તિ, અભ્યાસ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પણ આ પ્રકારનાં શૈક્ષણિક આયોજનો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
તા. 17 ઑક્ટોબર, 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કોલેજ/યુનિવર્સિટી કક્ષાએ 297 વિદ્યાર્થીઓએ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ 176 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આમ, બંને વિભાગોમાં મળીને કુલ 473 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધાના કોલેજ/યુનિવર્સિટી વિભાગમાં ઇતિહાસ ભવનના વિદ્યાર્થી ભીલ કૌશિક આર.એ 50માંથી 50 ગુણ મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિ ઇતિહાસ ભવન માટે ગૌરવની બાબત છે. તેમણે પોતાની સફળતા દ્વારા ઇતિહાસ ભવન તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધામાં પ્રથમથી પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરનાર વિજેતાઓને માનનીય કુલપતિશ્રીના હસ્તે રેન્ક પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
કૌશિકભાઈની આ સિદ્ધિ બદલ ઇતિહાસ ભવનના અધ્યાપકગણે તેમને અભિનંદન પાઠવ્યાં હતાં અને ભવિષ્યમાં પણ આવી જ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.